પોલીસ સ્ટેશનમાં એસીબીએ ટ્રેપ ગોઠવી હેડ કોન્સ્ટેબલને ઝડપી લીધો
ફરિયાદીના જપ્ત થયેલા વાહન અને મોબાઇલ પરત મળે તેના અભિપ્રાય માટે લાંચની માંગણી કરી હતી
Updated: Mar 18th, 2023
અમદાવાદ,શનિવાર
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ધોળકા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં
ટ્રેપ ગોઠવીને હેડ કોન્સ્ટેબલને રૂપિયા ૨૫ હજારની લાંચ કેસમાં ઝડપી લેવામાં આવ્યો છે.
તેણે ફરિયાદીના જપ્ત કરાયેલા વાહન અને મોબાઇલ ફોન પરત કરવા માટે કોર્ટમાં હકારાત્મક
અભિપ્રાય આપવાના બદલામાં લાંચની માંગણી કરી હતી. અમદાવાદના ધોળકામાં
રહેતા કેટલાંક વ્યક્તિઓ ધોળકા ગ્રામ્ય પોલીસ
સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં પોલીસે ત્રણ વાહનો અને મોબાઇલ ફોન
જપ્ત કર્યા હતા. જે કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ
અરવિંદ પટેલ પાસે હતી. જેથી ફરિયાદીએ તેમનો સંપર્ક કરીને જપ્ત કરાયેલા વાહન અને મોબાઇલ
છોડાવી આપવા માટે રજૂઆત કરી હતી. જેના બદલામાં હેડ કોન્સ્ટેબલે ૫૦ હજારની લાંચ માંગી હતી. જેમાં રકઝકના
અંતે ૨૫ હજારની રકમ શનિવારે ધોળકા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જ આપવાનું નક્કી થયું હતું.
જે અંગે ફરિયાદીએ એસીબીમાં જાણ કરી હતી અને જેના આધારે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં
અરવિંદ પટેલને રૂપિયા ૨૫ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો. જે અંગે એસીબીએ
તેની વધુ પુછપરછ શરૂ કરી છે.