Updated: Mar 18th, 2023
– આ દુર્ઘટના વખતે લિફ્ટમાં 8 લોકો હાજર હતા
– VTPS સ્ટાફે ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યા
વિજયવાડા, તા. 18 માર્ચ 2023, શનિવાર
આંધ્રપ્રદેશના વિજયવાડા થર્મલ પાવર સ્ટેશનમાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. ત્યાં એક લિફ્ટનો કેબલ તૂટી જતા 3 લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટના વખતે લિફ્ટમાં 8 લોકો હાજર હતા.
દુર્ઘટનાની સૂચના મળતા જ VTPS સ્ટાફ અને કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ઘાયલોને ભારે જહેમત બાદ બહાર કાઠવામાં આવ્યા. VTPS સ્ટાફે ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે કેસ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
દુર્ઘટના બાદ થર્મલ પાવર સ્ટેશનના કર્મચારીઓની ઘટના સ્થળ પર ભીડ એકઠી થઈ ગઈ હતી. આ સાથે જ લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે લિફ્ટ ઘણી ઊંચાઈથી નીચે પડી છે.
આ અગાઉ યુપીના ગ્રેટર નોઈડામાં લિફ્ટમાંથી પડી જતા યુવાન એન્જિનિયરનું મોત થઈ ગયુ હતું. ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર 150માં એક ઈમારતમાં બાંધકામ ચાલી રહ્યુ હતું. ઈમારતના બાંધકામ માટે મટીરિયલ ઉપરની માળ પર પહોંચાડવા માટે અસ્થાઈ લિફ્ટ લગાવવામાં આવી હતી. કંપની દ્વારા 28 વર્ષીય રિતિક રાઠોડ જે વ્યવસાયે એન્જિનિયર હતો તે આ કામચલાઉ લિફ્ટને ઉતારવા માટે પહોંચ્યો હતો. સોમવારે સાંજે લગભગ 4:15 વાગ્યાના સુમારે જ્યારે લિફ્ટ હટાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે લિફ્ટમાં વધુ વજન હોવાથી તે 25માં માળેથી નીચે તૂટી પડી હતી.