– ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસી રેટમાં સતત વધારાના કારણે સ્થાનિક ચલણ ફેબ્રુઆરીથી અસ્થિર
Updated: Mar 18th, 2023
મુંબઈ : ૧૦ માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું વિદેશી મુદ્રા ભંડાર ૨.૪ બિલિયન ડોલર ઘટીને ૫૬૦ બિલિયન ડોલર થઈ ગયું છે. તાજેતરના ડેટા દર્શાવે છે કે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ રિઝર્વ બેંકની વિદેશી મુદ્રા સંપત્તિમાં ઘટાડો છે, જે ૨.૨ બિલિયન ડોલર ઘટીને ૪૯૪.૮૬ બિલિયન ડોલર થઈ છે. ગયા અઠવાડિયે અમેરિકી ડોલર સામે રૂપિયો ૦.૧ ટકા નબળો પડયો હતો.
૩ માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં રિઝર્વ બેંકના વિદેશી મુદ્રા ભંડારમાં ૧.૫ બિલિયન ડોલરનો વધારો થયો હતો. કરન્સી ડીલરોએ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિના દરમિયાન, રિઝર્વ બેંકે રૂપિયાના વિનિમય દરમાં વ્યાપક વધઘટને રોકવા માટે યુએસ ડોલરનું વેચાણ કર્યું છે.ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસી રેટમાં અનેક વધારાના કારણે સ્થાનિક ચલણ ફેબ્રુઆરીથી અસ્થિર છે.
યુએસની સિલિકોન વેલી બેંકના ડૂબવાના કારણે છેલ્લા ૯ દિવસથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હવે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધારો કરશે. જો કે, આનાથી રૂપિયાને વધુ મદદ મળી નથી કારણ કે જોખમ ટાળવાના વૈશ્વિક મોજાને કારણે રોકાણકારોને ડોલરમાં સલામતી મળી છે.