– સૌર મંડળના લાલ ગ્રહનું નવું રહસ્ય મળ્યું
– ખગોળશાસ્ત્રીઓ કહે છે, મંગળ વિશેની સમજણમાં મોટું પરિવર્તન આવી શકે છે
સિલિકોન વેલી/ મુંબઇ : સૂર્ય મંડળના રાતા ગ્રહ પર હવે નવું આશ્ચર્ય અને રહસ્ય મળ્યું છે.
આ નવા આશ્ચર્યથી મંગળ વિશેની સમજણમાં મોટું પરિવર્તન આવે એવો સંકેત પણ ખગોળ વિજ્ઞાનીઓએ આપ્યો છે. આ આશ્ચર્ય અને રહસ્ય છે મંગળના વિષુવવૃત્ત નજીક મળેલા હિમ નદીના અવશેષ.
મંગળના વિષુવવૃત્ત નજીક મળેલા હિમ નદીના અવશેષના ગહન સંશોધનના આધારે ખગોળશાસ્ત્રીઓએ એવો સંકેત આપ્યો છે કે સૌર મંડળના લાલ ગ્રહ પરની ધરતી પર નજીકના ભૂતકાળમાં બરફનું પાણી હોવું જોઇએ.
અમેરિકાની અંતરીક્ષ સંશેધન સંસ્થા નાસાના નાણાંકીય સહયોગથી કાર્યરત ધ સર્ચ ફોર એક્સ્ટ્રાટેરેસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ(એસ.ઇ.ટી.આઇ.-સેટી, સિલિકોન વેલી,અમેરિકા) અને માર્સ ઇન્સ્ટિટયુટના પ્લેનેટરી સાયન્સ વિભાગના વડા ડો. પાસ્કલ લી એ તેમના સંશોધનપત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે હિમ નદીની શોધનો સીધો અર્થ એવો થઇ શકે કે મંગળના વિષુવવૃત્ત નજીકના છીછરા વિસ્તારમાં આજે પણ બરફનું અસ્તિત્વ હોવું જોઇએ.વળી, આ સંશોધનનો લાભ ભવિષ્યમાં પૃથ્વીનો માનવી મંગળ પર જાય અથવા માનવ વસાહત બનાવે ત્યારે થઇ શકે છે.
અવશેષો દ્વારા જાણવા મળ્યું છે કે હિમ નદી છ (૬) કિલોમીટર લાંબી છે અને તેનો પટ ચાર(૪) કિલોમીટર પહોળો છે.
વળી, મંંગળ વિશે અગાઉ જે સમજણ હતી તેની સરખામણીએ આ નવતર સંશોધન એમ કહે છે કે આ લાલ ગ્રહની ધરતી પર બહુ નજીકના ભૂતકાળમાં જળનું અસ્તિત્વ હોવું જોઇએ. મંગળની ધરા સાવ જ સૂકી નહીં હોય.
ખગોળશાસ્ત્રી ડો. પાસ્કલ લીએ બહુ મહત્વની સ્પષ્ટતા પણ કરી છે કે અમારા સંશોધનમાં હિમ નદીમાં ખરેખર બરફ નહીં પણ મીઠા(નમક)નો જથ્થો મળ્યો છે.
સરળ રીતે સમજીએ તો હિમ નદીના ઉપરના હિસ્સામાં કુદરતી પ્રક્રિયાથી મીઠાનું સર્જન થયું હોવું જોઇએ જ્યારે નીચેના ભાગમાં તે બરફના સ્વરૂપમાં રહેલું હોવું જોઇએ. વળી, મંગળના વિષુવવૃત્તના પરિસરમાં જ્વાળામુખીની રાખ, લાવારસના નાના ખડકો હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્વાળામુખીના આ બધા હિસ્સા બરફના પાણી અને મીઠા સાથે ભળ્યા હોવાથી ત્યાં મીઠાના સખત -કડક – પટ્ટા બન્યા હોવા જોઇએ.
આમ આ સમગ્ર અભ્યાસના આધારે સમજી શકાય છે કે મંગળ પર મીઠાનું સર્જન કઇ રીતે થયું હશે. જોકે અમારા આ સંશોધનના આધારે આ જ દિશામાં હજી વધુ અને ગહન સંશોધન થવું જરૂરી છે.