Updated: Mar 18th, 2023
વડોદરાઃએમ.એસ.યુનિવર્સિટીમાં સામાન્ય રીતે પદવીદાન સમારોહની પૂર્વ સંધ્યાએ વાઈસ ચાન્સેલરના બંગલાના ગાર્ડનમાં ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાતો હોય છે.આ પરંપરાનો ભંગ કરીને લો ફેકલ્ટીના અગાઉથી નક્કી કાર્યક્રમ સાથે સન્માન સમારોહ ગોઠવી દેવાનો વાઈસ ચાન્સેલરનો નિર્ણય ફારસરુપ પૂરવાર થયો હતો.
સામાન્ય રીતે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને તેમના સન્માન સમારોહમાં વ્યકિતગત રીતે સ્ટેજ પર બોલાવીને તેમને ભગવદ્ ગીતાની એક પ્રત આપીને સન્માનિત કરાતા હોય છે.તેની જગ્યાએ આજે તેમને ચં.ચી.મહેતા ઓડિટોરિયમની બહાર સ્કાર્ફ પકડાવી દેવામાં આવ્યા હતા અને ઓડિટોરોયિમમાં યોજાયેલા લો ફેકલ્ટીના કાર્યક્રમમાં બેસાડી દેવાયા હતા.જ્યારે ગોલ્ડ મેડાલિસ્ટોના માતા પિતાને તો ઓડિટોરિયમની જગ્યાએ લોન્જમાં બેસવાની ફરજ પડાઈ હતી.
હાજર રહેલા સિન્ડિકેટ સભ્યોને પણ ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓની આ પ્રકારની ઉપેક્ષા જોઈને અકળામણ થઈ હતી.તેમાંના કેટલાકે કહ્યુ હતુ કે, આગામી સિન્ડિકેટની બેઠકમાં વાઈસ ચાન્સેલર સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવશે.