Updated: Mar 17th, 2023
– કાપડ વેપારને વેગ આપવામાં આવશે : મોદી
– 4445 કરોડનો ખર્ચ થશે, 20 લાખ નોકરીઓની તક, 70 હજાર કરોડનું રોકાણ આવશે : ગોયલ
– 5-એફ ફાર્મ ટુ ફાઇબર ટુ ફેકટરી ટુ ફેશન ટુ ફોરેન મોડલથી ટેક્સટાઇલને ગતિ મળશે : વડાપ્રધાન
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે સાત રાજ્યોમાં પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરવામાં આવશે. આ રાજ્યોમાં તામિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે હવે ટેક્સટાઇલ ક્ષેત્રમાં પ્રગતિ માટે રાજ્યસ્તરે એક વિશેષ માળખુ તૈયાર કરવામાં આવશે. જેને કારણે આ ક્ષેત્રે મોટા પ્રમાણમાં સ્થાનિક અને વિદેશી રોકાણ વધશે અને આમ થવાથી હજારો લોકોને રોજગારી મળશે. પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્કની મદદથી ટેક્સાઇટ સેક્ટરને પાંચ એફ (ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન)થી ગતિ મળશે.
જ્યારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ફેસબુક પોસ્ટ દ્વારા જાણકારી આપતા કહ્યું હતું કે આશરે ૪૪૪૫ કરોડના ખર્ચે આ મેગા ટેક્સટાઇલ પાર્ક તૈયાર કરાશે. જેની મદદથી ૨૦ લાખ નોકરીઓ સીધી કે આડકતરી રીતે મળી રહેશે. અને ૭૦ હજાર કરોડ રૂપિયાનું સ્થાનિક અને વિદેશી રોકાણ આવવાની પણ શક્યતાઓ છે. ભારત હાલ પણ ટેક્સટાઇલ ક્ષેત્રે નિકાસમાં સૌથી મોટા દેશોમાં સામેલ છે. આ પીએમ મિત્ર પાર્ક પીપીપી મોડલ પર તૈયાર કરાશે, જેના દ્વારા મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડનું એક શ્રેષ્ઠ ઉદાહર પણ પુરુ પાડવામાં આવશે. કાપડ અને તૈયાર કપડાના ક્ષેત્રમાં ઉપરાંત ફેશન સેક્ટરમાં પણ વેગ મળશે.