– પ્રવાસ તથા લગ્નસરાની મોસમ પૂરજોશમાં રહેતા રિટેલ માગને ટેકો
Updated: Mar 18th, 2023
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ દસ મહિનામાં સંગઠીત રિટેલ સેગમેન્ટસમાં એપરલ, લાઈફસ્ટાઈલ પ્રોડકટસ તથા ક્વીક સર્વિસ રેસ્ટોરેન્ટસના વેચાણમાં નાણાં વર્ષ ૨૦૨૦ એટલે કે કોરોના પહેલાના વર્ષની સરખામણીએ ૧૮ ટકા વધારો જોવા મળ્યો છે. પ્રવાસ તથા લગ્નસરાની મોસમને કારણે રિટેલ માગમાં વધારો થયો છે.
ઊંચા ફુગાવા છતાં ઉપભોગતા ખર્ચ કરવામાં પાછા પડતા નહીં હોવાનું વેચાણ વૃદ્ધિ પરથી જણાય છે, એમ રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (રાય)ના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
રાયના રિપોર્ટ પ્રમાણે, ૨૦૨૦ના પ્રથમ દસ મહિનાની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં ક્વીક સર્વિસ રેસ્ટોરેન્ટસના વેચાણમાં ૨૮ ટકા, પરસનલ કેરમાં ૭ ટકા, એપરલ તથા કલોથિંગમાં ૧૮ ટકા, ફૂડ તથા ગ્રોસરીમાં ૨૧ ટકા, જ્વેલરીમાં ૧૮ ટકા તથા ફૂટવેરના વેચાણમાં ૨૫ ટકા વૃદ્ધિ જોવા મળી છે.
કોરોના બાદ પ્રવાસમાં વધારો થતાં કેઝયૂલ વેરના પાછળના ખર્ચમાં વધારો થયાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. ગયા નાણાં વર્ષમાં દૈનિક ગ્રોસરીસ તથા આવશ્યક ચીજવસ્તુ પાછળના ખર્ચમાં ઘટાડો જોવા મળ્યો હતો.
કોરોનાના કાળમાં ઉપભોગતાઓએ મુશકેલ સમય પસાર કર્યો હતો, પરંતુ તેઓ હવે ફરી પાછા ખરીદી તરફ મળી રહ્યા છે અને બ્રાન્ડસને પ્રાધાન્ય આપી રહ્યા છે.
કોરોના પહેલાના વર્ષની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ વેચાણમાં ૨૦ ટકા સાથે સૌથી વધુ વૃદ્ધિ દેશના પૂર્વ વિસ્તારમાં જોવા મળી છે. પશ્ચિમમાં ૧૮ ટકા જ્યારે દક્ષિણ તથા ઉત્તર ભારત વિસ્તારમાં ૧૦ ટકા વધારો થયાનું રાયના આંકડા જણાવે છે.