કોર્ટના આદેશ બાદ પોલીસ તેનું ઘર જપ્ત કરવા પહોંચી હતી, તેની સામે પહેલાથી ઘણા કેસ દાખલ છે
કોર્ટે તેની જામીન અરજી ફગાવ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો
Updated: Mar 18th, 2023
image: Twitter |
તમિલનાડુમાં બિહારીઓ વિરુદ્ધ કથિત હિંસા અને મારપીટ મામલે ભ્રામક વીડિયો પ્રસારિત કરવાના આરોપી બનાવાયેલા યુટ્યુબર મનીષ કશ્યપે આત્મસમર્પણ કરી દીધું છે. તેનું ઘર જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરાયા બાદ મનીષે જગદીશપુર પોલીસ સ્ટેશને સરેન્ડર કર્યું હતું. અહેવાલ અનુસાર મનીષને ઈકોનોમિક ઓફન્સ યુનિટ(ઈઓયુ)ને સોંપવામાં આવી રહ્યો છે. ઈઓયુ જ તેની પૂછપરછ કરશે.
ઘરે બુલડોઝરની કાર્યવાહી પણ થઈ હતી
ઉલ્લેખનીય છે કે કોર્ટનો આદેશ મળ્યા બાદ અનેક પોલીસ સ્ટેશનેથી ટીમ કશ્યપના ઘરે તેનું ઘર જપ્ત કરવા પહોંચી હતી. તેના ઘર પર બુલડોઝર પણ ફેરવાયું હતું અને ઘરનો સામાન પણ કબજે લઈ લેવાયો હતો. મનીષ કશ્યપનું ઘર બેતિયાના મઝૌલિયા પોલીસ સ્ટેશન હેઠળ આવતા મહના ડુમરી ગામમાં આવેલ છે. તેની સામે તમિલનાડુ ઉપરાંત બેતિયામાં 7 ગુનાઇત કેસ દાખલ છે. તેમાંથી 5 કેસમાં ચાર્જશીટ પણ ફાઈલ થઈ છે. મનીષે પટણા હાઈકોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી હતી. અરજી રદ થયા બાદ તે ફરાર થઈ ગયો હતો. અનેક મામલે પોલીસ તેને શોધી રહી હતી.
મામલો શું છે?
તેણે તમિલનાડુમાં બિહારના રહેવાશીઓ પર હુમલાનો ફેક વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ મામલે તેની સામે ઈકોનોમિક ઓફન્સ યુનિટમાં બે ફરિયાદ દાખલ કરાઇ છે. જ્યારે ફેક ધરપકડ બતાવવા બદલ એક એફઆઈઆર દાખલ થઈ છે. આટલું જ નહીં મનીષ સામે સાત ક્રિમિનલ કેસ બેતિયાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં દાખલ છે. પોલીસ પહેલાથી જ તેને શોધી રહી હતી.