Updated: Mar 19th, 2023
વડોદરા, તા. 19 માર્ચ 2023 રવિવાર
ફાર્માસ્યુટિકલ કેમિકલ પ્રોડક્ટની ખરીદી કરી મહારાષ્ટ્રના થાણે ખાતેના ભેજાબાજે મંજુસરની કંપની સાથે 54 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાય છે.
સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં આવેલી જીજીસી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા હર્ષ સંતોષભાઈ પાંડેએ મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની કંપની ફાર્માસ્યુટિકલ કેમિકલ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. જાન્યુઆરી મહિનામાં કંપનીના મેઈલ આઈડી પર એક મેઇલ આવ્યો હતો જેમાં રાજીવ કપૂર નામ સાથેનો એક મોબાઈલ નંબર લખ્યો હતો અને ફાર્માસ્યુટિકલ કેમિકલ પ્રોડક્ટ પ્રેગાબિલીન આઈપી 300 કિલો પોતે ખરીદવા માંગે છે તેવી પૂછપરછ કરી હતી આ મેઇલનો રીપ્લાય મેં મેઈલથી આપ્યો હતો અને 100 ટકા એડવાન્સ પેમેન્ટનું જણાવ્યું હતું. ત્યારબાદ રાજીવ કપૂરે મેઇલ કરી જણાવેલ કે અમે લાંબો સમય સુધી તમારી પાસેથી માલ ખરીદીશું તેની સામે 60 દિવસ બાદના ચેક અમારી કંપની તમને આપશે મેઇલ પર થયેલી વાતચીત બાદ મેં રાજીવ કપૂર સાથે તેને આપેલા મોબાઈલ નંબર પરથ વાત કરી હતી ત્યારે રાજીવ કપૂરે જણાવેલ કે મારી ગ્લોબલ એન્ટરપ્રાઇઝ નામની ટ્રેડિંગ કંપની છે જેની રજીસ્ટર ઓફિસ વાપીમાં નુતન નગર ખાતે આર્યા હાઈટ્સમાં આવેલી છે આ વાતચીત થયા બાદ રાજીવ કપૂરે પોતાની કંપનીના લેટરહેડ ઉપર પ્રેગાબિલીન આઇપી પ્રોડક્ટ 600 કિલોગ્રામ અને અલ્બેન્ડાઝોલ આઈપી પ્રોડક્ટ 1530 કિલોનો ઓર્ડર તબક્કાવાર ચાર વખત આપ્યો હતો અને કુલ 54.06 લાખનો માલ કલ્પતરુ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલ્યો હતો આ માલ ત્યાંથી રાજીવ કપૂરે ડિલિવરી લઈ લીધી હતી. મુદત પૂરી થતાં બેંકમાં ચેક નાખ્યો ત્યારે બેકમાં બેલેન્સ નહિ હોવાથી પરત આવ્યો હતો. બાદમાં જ્યારે રાજીવ કપૂરને ફોન કર્યો તો તે ઉપાડતો ન હતો અને પછી ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. આ અંગે પોલીસે ભેજાબાજ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.