ભારતમાં કોરોના મહામારીએ ફરી એક વખત માથું ઉચક્યું છે. તાજેતરમાં કેસોની સંખ્યા ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે. એવામાં કોરોનાનું નવું વેરિયન્ટ સામે આવ્યું છે. XBB1.16 નામના વેરિયન્ટ અત્યાર સુધીમાં 76 કેસ મળી આવ્યા છે. તેમાંથી કર્ણાટકમાં 30 અને મહારાષ્ટ્રમાં 29 કેસ મળી આવ્યા હતા, જે સૌથી વધુ છે. ઉત્તર ભારતમાં દિલ્હીમાં 5 અને હિમાચલ પ્રદેશમાં 1માં પણ આ વેરિયન્ટના કેસો સામે આવ્યા છે.
SARS-Cov-2 જેનોમિક્સ કન્સોર્ટિયમના ડેટા પરથી માહિતી મળી
કેન્દ્રીય ગૃહ મંત્રાલય, બાયોટેકનોલોજી વિભાગ, CSIR અને ICMR દ્વારા વાયરસ પર સતત અપડેટ રાખવામાં આવી રહી છે. આ સંયુક્ત રીતે બનાવવામાં આવેલ ભારતીય SARS-Cov-2 જેનોમિક્સ કન્સોર્ટિયમના ડેટા પરથી આ વાત સામે આવી છે કે, પુડુચેરીમાં 7, તેલંગાણામાં 2 અને ગુજરાત અને ઓડિશામાં 1-1 કેસ મળી આવ્યા છે. ભારતમાં, તે જાન્યુઆરીમાં પ્રથમ વખત આ વેરિયન્ટના બે કેસો મળી આવ્યા હતા. જ્યારે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 59 કેસ સામે આવ્યા છે.
126 દિવસ પછી 800 થી વધુ કેસ મળ્યા
દેશમાં 126 દિવસ પછી એક જ દિવસમાં કોવિડ-19ના 800થી વધુ કેસ મળી આવ્યા છે. સક્રિય દર્દીઓની કુલ સંખ્યા 5,389 પર પહોંચી ગઈ છે.
કોરોના કેસ વધીને 4.46 કરોડ થઈ ગયા
આજે સાવર સુધીના અપડેટ કરાયેલા સત્તાવાર આંકડા મુજબ દેશમાં કોરોના કેસ વધીને 4.46 કરોડ થઈ ગયા છે. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં કોરોનાથી એક-એકનું મોત થયું છે. કેરળમાંથી બે લોકોના મોતની માહિતી મળી છે. ડેટા દર્શાવે છે કે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે.
સરેરાશ દૈનિક નવા કેસોમાં વધારો
ભારતમાં એક મહિનામાં નવા કોરના કેસોની દૈનિક સરેરાશ છ ગણી વધી છે. એક મહિના પહેલા સરેરાશ દૈનિક નવા કેસ 112 હતા, જ્યારે હવે તે આંક 626 સુધી પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, રાષ્ટ્રીય COVID-19 રિકવરી રેટ 98.80 ટકા નોંધાયો છે.
કોરોના બાદ સાજા થનારા લોકોની સંખ્યા વધી
આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.41 કરોડ થઈ ગઈ છે અને મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોરોના રસીના 220.64 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.