રાષ્ટ્રપતિ ગુઈલેર્મો લાસ્સોએ પણ આ મામલે દુઃખ વ્યક્ત કર્યું, મદદનું આશ્વાસન આપ્યું
ભૂકંપના આંચકા ઉત્તર પેરુમાં પણ અનુભવાયા હતા
Updated: Mar 19th, 2023
image : envato |
ઈક્વાડોરમાં શનિવારે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સરવેએ ઈક્વાડોરના તટીય ગુયાસ ક્ષેત્રમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યાની માહિતી આપી હતી. અહેવાલ અનુસાર આ ભૂકંપને લીધે દેશનું સોથી બીજું મોટું શહેર ગુઆયાકિલની આજુબાજુનું ક્ષેત્ર હચમચી ગયું હતું. રાષ્ટ્રપતિ ગુઈલેર્મો લાસ્સોએ પણ આ મામલે દુઃખ વ્યક્ત કર્યું અને તમામ નાગરિકોને શક્ય તેટલી મદદનું આશ્વાસન આપ્યું.
ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું?
આ ભૂકંપમાં અત્યાર સુધી 12 લોકોના મોતના અહેવાલ મળ્યા છે. સાથે જ અનેક ઈમારતો અને મકાનોને પણ નુકસાન થયું છે. ભૂકંપનું કેન્દ્ર ઈક્વાડોરના બીજા સૌથી મોટા શહેર ગુઆયાકિલથી લગભગ 50 માઈલ (80 કિલોમીટર) દક્ષિણમાં કેન્દ્રિત હતું. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં લોકોને ગુઆયાકિલના માર્ગો પર એકઠાં થતા જોઈ શકાય છે. ભૂકંપના આંચકા ઉત્તર પેરુમાં પણ અનુભવાયા હતા.