Updated: Mar 19th, 2023
વડોદરા, તા. 19 માર્ચ 2023 રવિવાર
વડોદરાના વારસિયાનો નામચીન બુટલેગર હરિ સિંધી આખરે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. વોન્ટેડ હોવા છતાંય દારૂનો ધંધો કરતા બુટલેગર હરિ સિંધીની સામે પાણીગેટ તેમજ જાણી પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગુના નોંધાયા હતા. આ ઉપરાંત આણંદ પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ દાખલ થયો હતો. આ ત્રણેય ગુનામાં તે વોન્ટેડ હતો.
ગુનામાં પકડાયા પછી ફરાર થઈ જનાર વારસિયાના માથાભારે બુટલેગર હરી સિંધીને પોલીસે ઝડપી લીધો હતો પરંતુ ત્યારબાદ પણ તેને દારૂની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. વોન્ટેડ હોવા છતાં તેની સામે દારૂના ત્રણ ગુના નોંધાયા હતા. તાજેતરમાં જ બે બુટલેગરોની સ્પર્ધા વચ્ચે હરી સિંધી નો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના પગલે બુટલેગરોમાં ગેંગવોરના ભણકારા વાગી રહ્યા હતા.
પોલીસ કમિશનરની સૂચના મુજબ પીસીબી પીઆઇ અને તેમની ટીમ સતત સર્વેલન્સ કરી તેમજ બાતમીદારોના નેટવર્ક થકી હરિ સિંધીની માહિતી મેળવવામાં સફળ થયા હતા. પોલીસને માહિતી મળી હતી કે હરી સિંધી અમદાવાદના ઇન્દિરા બ્રિજ વિસ્તારમાં છે. જેથી પોલીસે અમદાવાદ જઈ વોચ ગોઠવી સિંધીને ઝડપી લીધો હતો. હરી સિંધી સામે ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરવાના ગુના સહિત 47 ગુનાઓ દાખલ થયા છે. જે પૈકી મોટાભાગના ગુનાઓ પ્રોહિબિશનના છે. આ ઉપરાંત 6 વખત પાસામાં જઈ આવ્યો છે અને એક વખત તડીપાર પણ થયો છે.