ટેસ્લા અને ટ્વિટરના સીઈઓ ઈલોન મસ્કે દાવો કર્યો કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરાશે તો તેઓ ભારે બહુમતી સાથે ચૂંટાઈ આવશે
ટ્રમ્પે કહ્યું કે મેનહેટ્ટન જિલ્લા એટોર્નીના કાર્લાયલ દ્વારા લાવવામાં આવેલા એક કેસમાં મંગળવારે મારી ધરપકડ કરવામાં આવી શકે
Updated: Mar 19th, 2023
image : Wikipedia |
ટેસ્લા અને ટ્વિટરના સીઈઓ ઈલોન મસ્કે દાવો કર્યો કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરાશે તો તેઓ ભારે બહુમતી સાથે ચૂંટાઈ આવશે. ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પે તેમના જ સોશિલય મીડિયા પ્લેટફોર્મ પર દાવો કર્યો હતો કે તેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવી શકે છે. ટ્રમ્પે કહ્યું કે મેનહેટ્ટન જિલ્લા એટોર્નીના કાર્લાયલ દ્વારા લાવવામાં આવેલા એક કેસમાં મંગળવારે મારી ધરપકડ કરવામાં આવી શકે છે. એક અહેવાલ અનુસાર તેમણે પોતાના સમર્થકોને તેમની ધરપકડનો વિરોધ કરવા આહ્વાન પણ કર્યું હતું.
મસ્કે શું કહ્યું …
આ અહેવાલ પર પ્રતિક્રિયા આપતા ઈલોન મસ્કે ટ્વિટ કરી કે જો એવું થશે તો ટ્રમ્પ ફરી ભારે બહુમતીથી જીતી જશે. ટ્વિટરના સીઈઓએ એક અહેવાલ પર આ પ્રતિક્રિયા આપી હતી. અહેવાલોમાં દાવો કરાયો હતો કે ટૂંક સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરવામાં આવી શકે છે.
મામલો શું છે?
ગત વર્ષે અમુક દસ્તાવેજોમાં ખુલાસો થયો હતો કે 2016ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પ્રચાર દરમિયાન મોઢું બંધ રાખવા માટે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ભારે રકમ ચૂકવવામાં ટ્રમ્પ અને તેમના પૂર્વ ટોચના સહયોગી હોપ હિક્સ સીધી રીતે સામેલ હતા. તેના પછી આ મામલે ટ્રમ્પના પૂર્વ વકીલ માઈકલ કોહેને ગત વર્ષે ઓગસ્ટમાં ગુનો સ્વીકારતા કહ્યું હતું કે તેમણે ટ્રમ્પના કહેવા પર સ્ટોર્મીને ચૂકવણી કરી હતી. પણ ત્યારે સ્પષ્ટતા થઈ શકી નહોતી કે તેમાં ટ્રમ્પની સીધી ભૂમિકા હતી કે નહીં? સ્ટોર્મીને ત્યારે 1.30 લાખ ડોલરની ચૂકવણી કરાયા હોવાના પુરાવા મળ્યા છે.