અમરેલીના ઘણા તાલુકોઓમાં આજે ચોમાસા જેવો માહોલ
જૂનાગઢના માણાલદરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો
Updated: Mar 19th, 2023
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. અમરેલીના ઘણા તાલુકોઓમાં આજે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. બપોર બાદ જિલ્લાના મોટાભાગના તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કમોસમી વરસાદની સ્થિતિ સર્જાઈ હતી.
ખેડૂતોમાં વધી ચિંતા
અમરેલીના રાજુલા, જાફરાબાદ, ધારી, સાવરકુંડલા, બગસરા, બાબરા સહિતના તાલુકાના ગામોમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ પડતા ખેડૂતોના ઘઉં, ચણા, બાજરી, તલ, ડુંગળી અને બાગાયતી પાકને નુકશાનની સંભાવના છે.
મકાન પર વીજળી પડતા ભારે નુકશાન
અમરેલી જિલ્લામાં કુદરતના પ્રકોપ સામે ખેડૂતો સહિત ગામમાં રહેતા એક વ્યક્તિને મોટું નુકશાન થયાની ખબર પણ સામે આવી રહી છે. અમરેલીના દુધાળા ગામ રહેણાંક મકાન ઉપર વીજળી પડતા મકાન માલિકને ભારે નુકશાન થયાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર જૂનાગઢ પણ કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર જૂનાગઢમાં કમોસમી વરસાદ પડ્યો. જૂનાગઢના માણાલદરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે વાવેતર કરેલ પાકને નુકસાન થાય તેવી ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે. કમોસમી વરસાદને કારણે ઉનાળું પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થશે.