Home Blog

ગોરખનાથ મંદિરમાં સુરક્ષાકર્મીઓ પર હુમલો કરનારાને ફાંસીની સજા

0

Updated: Jan 30th, 2023


– 3 એપ્રિલ, 2022ના મુર્તઝાએ મંદિરના ગેટ પાસે હુમલો કર્યો હતો

– હુમલા પહેલા મુર્તઝાએ આતંકવાદી સામગ્રી એકઠી કરી હતી, રૂમમાંથી ડોંગલ અને એરગન મળ્યા હતા

ગોરખપુર : ગોરખનાથ મંદિરમાં સુરક્ષાકર્મિઓ પર હુમલા કરવાના મામલામાં આરોપી મુર્તજાને ફાંસીની સજા આપવામાં આવી છે. એનઆઇએ-એટીએસના વિશેષ ન્યાયાધીશ વિવેકાનંદ શરણ ત્રિપાઠીની કોર્ટે આરોપીને યુએપીએ, દેશદ્રોહ, ગોરખનાથ મંદિરના સુરક્ષાકર્મીઓ પર હુમલા સહિત અનેક અપરાધોમાં સજા સંભળાવી છે. ગયા વર્ષે ૪ એપ્રીલના રોજ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

ગયા વર્ષે ચાર એપ્રીલના રોજ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હુમલાના નવ મહિનાની અંદર જ તેની સામેની ટ્રાયલ પુરી કરીને સજાનું એલાન કરવામાં આવ્યું છે. ૩ એપ્રીલ, ૨૦૨૨ના રોજ મુર્તજાએ ગોરખનાથ મંદિરના ગેટ પર તૈનાત સુરક્ષાકર્મિઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન તેણે ધાર્મિક નારા પણ લગાવ્યા હતા. બાંકાથી કરવામાં આવેલા હુમલામાં અનેક જવાનો ઘાયલ થઇ ગયા હતા. જેને કોઇ પણ રીતે કાબુ કર્યા બાદ ગોરખનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ તેનુ કનેક્શન આતંકી પ્રવૃત્તિઓ સાથે મળતા મામલો એટીએસ તેમજ ગુપ્ત એજન્સીઓ સુધી પહોંચ્યો હતો.

ગાંધી નિર્વાણ દિને પોરબંદરમાં યોજાઈ સર્વ ધર્મ પ્રાર્થના સભા

0

Updated: Jan 30th, 2023


વિશ્વ વિભૂતિને શ્રધ્ધા સુમન અર્પણ

પૂ. બાપુને પ્રિય એવાં ભજનોની સરવાણી વહી ઃ મધ્યપ્રદેશના યાત્રાળુઓ દ્વારા પણ અંજલિ અર્પણ

પોરબંદર: વિશ્વ વિભૂતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ૭૫મા નિર્વાણ દિને કીર્તિ મંદિર ખાતે યોજવામાં આવેલી સર્વધર્મ પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓ અને એમપીથી આવેલા યાત્રાળુઓ તથા અધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

જેમણે વિશ્વ આખાને સત્ય, અહિસા, ભાઈચારાની ભાવના પ્રગટ કરીને પોતાના જીવનના સત્યના પ્રયોગો દ્વારા અનોખો રાહ ચીંધ્યો છેૈ તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ૭૫માં નિર્વાણ દિન નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સાંજે પાંચ વાગ્યે યોજવામાં આવેલ સર્વધર્મ પ્રાર્થનાસભામાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા પૂજ્ય બાપુને પ્રિય ભજનોની સરવાણી વહાવાઈ હતી. આ વિશ્વ વિભૂતિને શ્રધ્ધા સુમન અર્પણ કરવાના આ કાર્યક્રમમાં પોરબંદરના જિલ્લા કલેક્ટર અશોક શર્મા, કીર્તિ મંદિર સંચાલન સમિતિના સભ્ય તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જમ આ વર્ષે પણ પોરબંદરની સામાજિક સેવાભાવી સંસ્થાના અમુકને બાદ કરતા કોઇ રાજકીય આગેવાનો ડોકાયા ન હતા. પ્રાર્થનાસભાની પુર્ણાહુતિને દશેક મીનીટની વાર હતી ત્યારે મધ્યપ્રદેશની યાત્રાળુઓની બસ આવી હોવાથી પ્રાર્થનાસભામાં રંગ જામ્યો હતો અને તેઓ ભારે ઉત્સાહથી રઘુપતિ રાઘવ રાજા રામ રજૂ થયું ત્યારે ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાતા અનેરો માહોલ સર્જાયો હતો.

શ્રધ્ધાંજલિ સભામાં રક્તપિત્ત નિર્મુલન જાગૃતિ ફેલાવાઇ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી રક્તપિત્તનાં દર્દીઓની પોતાના હાથેથી સારવાર કરતા હતા અને તેના દર્દીઓ જલ્દીથી સાજા થઇ જાય તે માટે જાગૃતિ ફેલાવતા હતા ત્યારે પોરબંદર જિલ્લા ક્ષય કેન્દ્રની ટીમે રક્તપિત્તનાં દર્દીઓના લક્ષણો, તેના રોગ વિષે જાગૃતિ લાવવા માટે શું શું કરી શકાય તેની માહિતીનું નિદર્શન કર્યું હતું.

“આજ હમરી મન્નત પૂરી હુઇ’-બીરસીંગ ભુરીયા

મધ્યપ્રદેશથી પોરબંદર ખાતે આવેલી યાત્રાળુ બસમાં મોટી સંખ્યામાં એમપીનાં પ્રવાસીઓ સર્વધર્મ પ્રાર્થના સમયે જ આવી પહોંચ્યા હતા ત્યારે બીરસીંગ ભુરીયા નામા વયોવૃધ્ધ પ્રવાસીએ એવું જણાવ્યું હતું કે, ‘બાપુ હમરે પથદર્શક હૈ. મેરા જન્મ મધ્યપ્રદેશ મેં હુઆ થા લેકિન બચપન સે હી મેરી ઇચ્છા થી કિ મૈં ભી ગાંધીજી કી જન્મસ્થલી પર જાઉં અને અપના શીશ નમાઉં મૈં બહુત ખુશનશીબ હું કિ આજ બાપુકી નિર્વાણ તિથિ પર હી હમ સબ યહાં પહુંચે હૈ ઔર ઇસ પવિત્ર ભૂમિ કે વંદન કરકે ધન્ય હુએ હૈ. આજ હમરી મન્નત પૂરી હુઇ હૈ’ કહ્યું ત્યારે તેની આંખોમાં ઝળઝળીયા આવી ગયા હતા.

સુપ્રીમ કોર્ટનો જેટ એરવેઝને ફટકો, NCLATનો આદેશ માન્ય રાખ્યો, ચૂકવવી પડશે 200 કરોડથી વધુની રકમ

0

સુપ્રીમ કોર્ટે નાણાંકીય સંકટ સામે લડી રહેલી જેટ એરવેઝના નવા માલિક જાલાન-ફ્રિટ્સ કર્સોડિયમને ઝટકો આપ્યો

NCLATએ જેટ એરવેઝને પૂર્વ કર્મીઓની PF-ગ્રેજ્યુઈટીની બાકી રકમ ચૂકવવા આદેશ કર્યો હતો, જેને SCએ માન્ય રાખ્યો

Updated: Jan 30th, 2023

Image – wikipedia

નવી દિલ્હી, તા.30 જાન્યુઆરી-2023, સોમવાર

સુપ્રીમ કોર્ટે નાણાંકીય સંકટ સામે લડી રહેલી જેટ એરવેઝના નવા માલિક જાલાન-ફ્રિટ્સ કર્સોડિયમને ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના આદેશને માન્ય રાખ્યો છે. NCLATએ એરલાઈન્સને પૂર્વ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુઈટીની બાકી રકમન ચૂકવણી કરવાનો આદેશ કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે. ચીફ જસ્ટિસ (CJI) ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ.નરસિમ્હા અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેન્ચે કહ્યું કે, એરલાઈન્સ સામે જે પણ પગલાં ભરવામાં આવશે, તેને ખબર પડશે કે મજૂરી ચુકવવાની બાકી છે. વેતન વગર શ્રમની બાકી રકમને હંમેશા પ્રાથમિકતા અપાય છે. ક્યારેક તો તેને અંતિમ સ્વરૂપ આપવું જોઈએ. માફ કરજો, અમે દખલ નહીં કરીએ.

એરલાઈન્સે રૂ.200 કરોડથી વધુ રકમ ચૂકવવી પડશે

સુનાવણી શરૂ થતાં જ કન્સોર્ટિયમ તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ સૌરભ કિરપાલે કહ્યું કે, તેમને હવે 200 કરોડ રૂપિયાથી વધુ વધારાની રકમ ચૂકવવી પડશે અને એરલાઈનને ફરી બેઠી કરવી મુશ્કેલ બનશે. તેમણે જણાવ્યું કે, એકવાર મંજૂર થઈ ગયા પછી સમાધાન યોજનામાં સુધારો કરી શકાતો નથી કે તેને પાછો ખેંચી શકાશે નહીં. જેટ એરવેઝના અસંતુષ્ટ કર્મચારીઓના યુનિયન તરફથી વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ ભટનાગર અને એડવોકેટ સ્વર્ણેન્દુ ચેટર્જી અદાલતમાં હાજર થયા હતા. આ પૂર્વ કર્મચારીઓએ એરલાઈન્સની નાદારી પ્રક્રિયા શરૂ થવાની તારીખ અથવા ત્યારબાદ રાજીનામું આપી દીધું હતું. આ યુનિયનમાં એરલાઈન્સના 270 પૂર્વ કર્મચારીઓ સામેલ છે. પૂર્વ કર્મચારીઓએ કન્સોર્ટિયમના પગલાં પર શંકા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટમાં કાઉન્ટર પિટિશન દાખલ કરી હતી.

NCLATના આદેશ સામે જેટ એરવેઝે સુપ્રીમમાં અપીલ દાખલ કરી હતી

ચેટર્જીએ કેસની સુનાવણી બાદ પત્રકારોને કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો આ આદેશ માત્ર માર્ગદર્શિકા નથી, પરંતુ જે કામદારો અને કર્મચારીઓ આવા દાવાઓમાં ફસાયેલા છે, તેમના માટે આશાનું કિરણ પણ છે. NCLATના આદેશ વિરૂદ્ધ જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડના મુરારી લાલ જાલાન અને ફ્લોરિયન ફ્રિટ્સ વતી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરાઈ હતી. કોન્સોર્ટિયમે દાવો કરતા જણાવ્યું કે, તેને અપાયેલી સૂચનાની યાદીમાં પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઈટીની ચૂકવણી પ્રત્યે કોર્પોરેટ દેવાદાર (જેટ એરવેઝ)ની કોઈપણ જવાબદારીઓનો ખુલાસો કરાયો નથી. ગયા વર્ષે 21 ઓક્ટોબરે NCLATએ કન્સોર્ટિયમને એરલાઈનના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટી બાકી રકમ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.

પાકિસ્તાન સહિત વિદેશી મીડિયામાં છવાઈ ‘ભારત જોડો યાત્રા’ : રાહુલ ગાંધી વિશે લખી મોટી વાત

0

નવી દિલ્હી, તા.30 જાન્યુઆરી-2023, સોમવાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ કન્યાકુમારીથી શરૂ થઈ, જેની આજે શ્રીનગરમાં પૂર્ણાહૂતિ થઈ છે. રાહુલ ગાંધી તેમની આ યાત્રા 12 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થઈ હતી. રાહુલ ગાંધીએ તેમની ‘ભારત જોડો યાત્રા’ અંગે કહ્યું કે, તેમની આ યાત્રા બેરોજગારી, મોંઘપારી, નફરત, હિંસા વગેરે સમાજને તોડનારા કારણો વિરુદ્ધમાં છે. રાહુલ ગાંધીએ 3570 કિલોમીટર આ યાત્રા પગપાળા પૂર્ણ કરી હતી. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સમાચાર પત્રોમાં પણ છવાયેલા રહ્યા હતા. કોંગ્રેસની આ યાત્રાને ભારત ઉપરાંત વિદેશી મીડિયામાં પણ બહોળું કવરેજ મળ્યું છે. ઈસ્લામિક દેશો ખાસ કરીને પાકિસ્તાન, યુએઈ, તુર્કી વગેરે દેશોના અખબારોએ રાહુલ ગાંધીની યાત્રા પર ઘણા આર્ટિકલ છાવ્યા, તો જાણીએ વિદેશી મીડિયાઓએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંગે શું શું છાપ્યું…

પાકિસ્તાનની મીડિયાએ શું કહ્યું ?

પાકિસ્તાનનું અગ્રણી સમાચાર પત્ર ‘ડૉન’એ લખ્યું છે કે, ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી દ્વારા બુરખો પહેરેલી શાળાની વિદ્યાર્થીનો હાથ પકડ્યો, તે દર્શાવે છે કે, તેઓ પણ ગાંધી અને નહેરુની વિચારધારામાંથી આવે છે. અખબારે તેના લેખમાં લખ્યું છે કે, રાહુલ ગાંધી 5 મહિનાની ભારત જોડો યાત્રા દ્વારા પોતાના “બીમાર’ પક્ષ અને દેશની ખરાબ હાલત સુધારવાનો પ્રયાસ કરવા ઈચ્છે છે. પાકિસ્તાનના અન્ય અગ્રણી અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને લેખમાં લખ્યું છે કે, રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા દ્વારા કોંગ્રેસમાં નવો પ્રાણ પૂરવાનો પ્રયાસ કર્યો છે. અખબાર લખે છે કે આ યાત્રાએ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં વધારો કર્યો છે.

કતારના અલ જઝીરાએ શું કહ્યું?

મુસ્લિમ દેશ કતારમાં આવેલા આંતરરાષ્ટ્રીય બ્રોડકાસ્ટર અલજઝીરાએ તેના અહેવાલમાં લખ્યું છે કે, દેશની સાંપ્રદાયિક સૌહાર્દ બગડી છે અને રાહુલ ગાંધી નફરત વચ્ચે દેશને પ્રેમથી જોડવાનું કામ કરી રહ્યા છે.

યુએઈના ખલીજ ટાઈમ્સે શું કહ્યું?

ઈસ્લામિક દેશ યુનાઈટેડ આરબ અમીરાતના ખલીજ ટાઈમ્સ સમાચાર પત્રે લખ્યું છે કે, કેટલાક લોકોને લાગે છે કે રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ સત્ય એ છે કે મોટાભાગના લોકો હજુ પણ રાહુલ ગાંધીને ગંભીરતાથી લેતા નથી. રાહુલ યાત્રા દ્વારા તેમની છબી સુધારવાનો ચોક્કસપણે પ્રયાસ કરી રહ્યા છે.

તુર્કીની સરકારી બ્રોડકાસ્ટરમાં પણ છવાઈ ‘ભારત જોડો યાત્રા’

મુસ્લિમ દેશ તુર્કીની સરકારી બ્રોડકાસ્ટર TRT વર્લ્ડમાં છપાયેલા લેખમાં લખાયું છે કે, કોંગ્રેસે મોદી સરકાર પર દેશમાં નફરત ફેલાવવાનો આરોપ લગાવીને આ યાત્રા શરૂ કરી હતી. સમાચાર એજન્સી રોયટરને ટાંકીને અહેવાલમાં લખાયું છે કે, ભારતના ઘણા લોકો હજુ પણ કોંગ્રેસ પક્ષથી આશા રાખી રહ્યા છે. કોંગ્રેસ એ પાર્ટી છે જેણે 1947માં ભારતને આઝાદી અપાવી અને દાયકાઓ સુધી સત્તામાં રહી.

બ્રિટન

લંડનમાં આવેલ રોઈટર્સે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંગે અહેવાલમાં લખ્યું છે કે, પોતાના અહેવાલમાં રોયટર્સ લખે છે કે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા કોંગ્રેસની છબી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. રોયટર્સના અહેવાલમાં લખાયું છે કે રાહુલ ગાંધીની યાત્રામાં મોટી ભીડ જોવા મળી હતી. યાત્રામાં નફરત અને સાંપ્રદાયિકતા વિરુદ્ધ લોકો રાહુલ ગાંધીને સાથ આપી રહ્યા છે. આ યાત્રાથી રાહુલ ગાંધીની છબી બદલાઈ રહી છે અને તેમની લોકપ્રિયતા વધી છે, જોકે કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં આ લોકપ્રિયતાને જંગી મતોમાં તબદીલ કરી શકશે નહીં.

જર્મની

જર્મનીની સરકારી બ્રોડકાસ્ટર ડોઈશ વેલે તેના લેખમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ પક્ષ આ યાત્રા દ્વારા રાહુલ ગાંધીને લોકોના નેતા તરીકે સ્થાપિત કરવા ઈચ્છે છે. અખબારે લખ્યું કે, ભારતીય રાજકારણમાં એક સમયે સૌથી મોટો પક્ષ ગણાતો કોંગ્રેસ આજે માત્ર 3 રાજ્યો છત્તીસગઢ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં જ સત્તા પર છે. ભારતીય ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે કોંગ્રેસ પાસે 10 ટકા પણ સાંસદો નથી, જેના કારણે સંસદમાં વિપક્ષના નેતાની જગ્યા ખાલી પડી છે.

પેશાવરની મસ્જીદમાં આત્મઘાતી વિસ્ફોટ : 28નાં મોત, 150થી વધુ ઘાયલ

0

Updated: Jan 30th, 2023


– પેશાવરની પોલીસ લાઈનની ઘટના

– મસ્જીદનો એક ભાગ તૂટી પડયો : તેની નીચે ઘણા દટાઈ ગયા હોવાની સેવાતી શંકા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં પેશાવરમાં પોલીસ લાઇન વિસ્તારમાં આવેલી એક મસ્જીદમાં જોરદાર આત્મઘાતી હુમલો થયો હતો. સોમવાર સાંજે બનેલી આ ઘટના સમયે ઘણા લોકો ત્યાં નમાઝ પઢવા એકઠા થયા હતા. તે સમયે જ થયેલા આ વિસ્ફોટને લીધે ૨૮ લોકોના જાન ગયા હતા, જ્યારે ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ અંગે પોલીસ અધિકારી સિકંદર ખાને જણાવ્યું હતું કે, મસ્જીદનો એક ભાગ તુટી પડતાં તેની નીચે ઘણા લોકો દબાયા હોવાની શંકા છે.

પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ અસીમે જણાવ્યું હતું કે, આ ધડાકાથી ૯૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું અનુમાન છે જે પૈકી ઘણાની હાલત ગંભીર છે.

સમાચાર સંસ્થા એએફપી પ્રમાણે તો ઘણાનાં મૃત્યુ થયા હોવાની આશંકા છે. જ્યારે બધા નમાઝ પઢી રહ્યા હતા, ત્યારે તે આત્મઘાતી હુમલાખોર મસ્જીદમાં ઘુસી ગયો હતો. તે નમાઝ દરમિયાન પહેલી હરોળમાં જ હતો અને વિસ્ફોટ સાથે તેણે પોતાને ઉડાડી દીધો.

નિરીક્ષકો કહે છે કે અત્યારે તો એવું લાગે છે કે, પાકિસ્તાનમાં વિશેષત: તેના સરહદી પ્રાંતમાં અને બલુચિસ્તાનમાં તો કાયદો અને વ્યવસ્થા જેવું કશું જ રહ્યું નથી કે સરકાર જેવું પણ કશું દેખાતું નથી.

ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવેંટ ઇન સાઉથ ઇસ્ટ એશિયા આતંકી સંગઠન જાહેર

0

સંગઠનની સંપત્તિ ફ્રીઝ કરવાની સાથે જ સંગઠનના લોકોની યાત્રા પર અને લોકો પર પ્રતિબંધ

યુએન સુરક્ષા પરિષદે કરેલી જાહેરાત

Updated: Jan 30th, 2023

(પીટીઆઇ)     યુએન,
તા. ૩૦

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ખતરનાક આતંકવાદી સંગઠન ઇસ્લામિક
સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવેંટ ઇન સાઉથ ઇસ્ટ એશિયા (આઇએસઆઇએલ-એસઇએ)ને વૈશ્વિક આતંકવાદી
સંગઠન જાહેર કર્યો છે.

સુરક્ષા પરિષદની ૧૨૬૭ ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવાંત
એન્ડ અલ કાયદા સેકશન કમિટીએ ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવેંટ ઇન સાઉથ ઇસ્ટ એશિયાને
ગયા સપ્તાહમાં પોતાની આતંકવાદી સંગઠનની યાદીમાં સામેલ કર્યુ હતું.

આ યાદીમાં સામેલ કર્યા પછી વૈશ્વિક આતંકવાદી સંગઠનની
સંપત્તિ ફ્રીઝ કરવાની સાથે જ સંગઠનના લોકોની યાત્રા પર અને લોકો પર પ્રતિબંધ
મૂકવામાં આવ્યો છે.

આઇએસઆઇએલ-એસઇએ સંગઠનને ઇસ્લામિક સ્ટેટ ઇસ્ટ એશિયા ડિવિઝન
અને દોલતુલ ઇસ્લામિયાહ વલિયાતુલ મશરિકના નામે પણ ઓળખવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્રની વેબસાઇટ અનુસાર આઇસીઆઇએલ-એસઇએની રચના જૂન
૨૦૧૬માં ઇસ્નિલોન હેપિલોન દ્વારા કરવામાં આવી હતી. આ ઇરાક અને લેવેટમાં ઇસ્લામિક સ્ટેટથી
જોડાયેલ છે.

ઉલ્લેખનીય છે કે હેપિલોન આઇએસઆઇએલથી સંબધિત જૂથ અબુ સય્યફનો
નેતા હતો. વર્ષ ૨૦૧૭માં તેને ઠાર મારવામાં આવ્યો હતો. સુરક્ષા પરિષદની ૧૨૬૭
ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવાંત એન્ડ અલ કાયદા સેકશન કમિટીમાં સુરક્ષા
પરિષદના તમામ ૧૫ સભ્યો સામેલ છે.

 

 

લો કરો વાત… પાકિસ્તાને 2,000થી વધુ લક્ઝરી કારની આયાત કરી

0

Updated: Jan 30th, 2023


– ખાવા માટેના ફાંફા વચ્ચે ચકાચૌંધ લાઇફ સ્ટાઇલના જલસા

– આવશ્યક ચીજવસ્તુઓ અને ઔદ્યોગિક માલસામાનના 5,000થી વધુ કન્ટેનર બંદરો પર અટવાયેલા પડયા છે

કરાંચી : ડૉન અખબારના અહેવાલ મુજબ, કટોકટીગ્રસ્ત પાકિસ્તાને ૨,૦૦૦થી વધુ લક્ઝરી વાહનોને આયાત કરવાની મંજૂરી આપી હતી,  બીજી તરફ આવશ્યક ઉપભોક્તા ચીજવસ્તુઓની શિપમેન્ટ બંદરો પર અટવાયેલી રહી હતી.

પાકિસ્તાન વિદેશી હૂંડિયામણની કટોકટીનો સામનો કરી રહ્યું છે, જેણે લગભગ તમામ આયાત અટકાવી દીધી છે. તાત્કાલિક બેલઆઉટ પેકેજ વિશે વાત કરવા માટે આઈએમએફની એક ટીમ ચાલુ અઠવાડિયે દેશની મુલાકાતે આવવાની છે.

પાકિસ્તાને ૨૦૨૨ના જુલાઈથી ડિસેમ્બર વચ્ચે ૧૬૪ લક્ઝરી ઇલેક્ટ્રિક વાહનોની આયાત કરી હતી. વપરાયેલ લક્ઝરી વાહનોની આયાતમાં પણ ઉછાળો આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને છેલ્લા છ મહિનામાં આવા લગભગ ૧,૯૯૦ વાહનોની આયાત કરી છે. મોટાભાગની આયાત જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન થઈ હતી, જેમાં ઓક્ટોબરથી ડિસેમ્બરમાં બહુ ઓછી સંખ્યામાં કારની આયાત કરવામાં આવી હતી.

બીજી તરફ, બંદરો પર આવશ્યક ચીજ વસ્તુઓના ઔદ્યોગિક માલસામાનના ૫,૦૦૦થી વધુ કન્ટેનર રોકી રાખવામાં આવ્યા હતા, એમ અખબારે અહેવાલ આપ્યો હતો.પાકિસ્તાનનું વિદેશી ભંડાર ઘટીને ઇં૩.૭ બિલિયન થઈ ગયું છે – જે રેકોર્ડ નીચું છે. દેશ મોંઘવારી, ૨૦૨૨ માં વિનાશક પૂરના પરિણામ અને ઊર્જાની તીવ્ર તંગીથી ઝઝૂમી રહ્યો છે.

પાકિસ્તાનની સ્ટેટ બેંકે, આ મહિનાની શરૂઆતમાં, ખાદ્યપર્દાર્થો અને તબીબી પુરવઠો સિવાય તમામ આયાત માટે ક્રેડિટ પત્રો આપવાનો ઇનકાર કર્યો હતો.

મેરે પાસ ચાકુ હૈ, ૨૦ ફૂટ લાંબુ, 10 લાખ રુપિયાનું રામપુરી ચાકુ જોઇને દંગ રહી જશો

0

ચાકુની ઓળખ જીવંત રહે તે માટે કાયમી પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

બ્રાસ અને સ્ટીલથી તૈયાર થયેલા ચાકુનું વજન 8 કવિન્ટલ છે

Updated: Jan 30th, 2023

રામપુર,૩૦ જાન્યુઆરી,૨૦૨૩,સોમવાર 

બોલીવૂડમાં ચાકુ પરના અનેક ડાયલોગ છે. ચાકુ બતાવીને લૂંટ ચલાવવી કે ખૂન કરવાની એકશન સીન પણ દર્શાવાતા હોય છે. ઉત્તરપ્રદેશના રામપુરનું નામ ખૂબ જાણીતું છે. રામપુરી ચાકુની તો ખૂબ ચર્ચા ચાલે છે. કેટલાક લોકો તો ચાકુ લેવા માટે જ રામપુરની મુલાકાત લેતા હોય છે. જો કે રામપુરમાં એક એવું ચાકુ બનાવવામાં આવ્યું છે જેનો ફોટો શેર કરવામાં આવી રહયો છે. આ કોઇ સામાન્ય ચાકુ નથી ૨૦ ફૂટ લાંબું છે. 

આ ચાકુનું વજન ૮ કવિન્ટલ છે. બ્રાસ અને સ્ટીલથી તૈયાર થયેલું ચાકુ તૈયાર કરવા માટે ૧૦ લાખ કરતા પણ વધુનો ખર્ચ થયો છે. આ ચાકુની ડીઝાઇન અફશાન રજાખાન નામની વ્યકિતએ તૈયાર કરી છે. તેમણે અનેક મહિનાની મહેનત પછી આ તૈયાર કર્યુ છે.  રામપુરમાં પ્રવેશ કરો એટલે જોહર ચૌક પર લગાવેલું વિશાળ ચાકુ દૂરથી પણ ધ્યાન ખેંચે છે. દાવો તો એવો કરવામાં આવે છે કે આ દુનિયાનું સૌથી વિશાળ ચાકુ છે. રામપુરના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ વિશાળ ચાકુ તૈયાર કરવામાં આવ્યું છે. 

રાજા અને નવાબોના જમાનાથી રામપુરની ચાકુની કારીગીરી પ્રખ્યાત છે. તેની આગવી ઓળખને જીવંત રાખવાનો હેતું છે. આમ તો રામપુર બીજી અનેક વસ્તુઓ માટે પ્રખ્યાત છે પરંતુ ચાકુની ઓળખ જીવંત રહે તે માટે કાયમી પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જો આ ચાકુનું વિધિવત ઉદ્ધઘાટન કરવાનું બાકી છે. હવેના બદલાતા સમયમાં ચાકુ બનાવનારા અને વેચાણ કરનારાએ લાયસન્સ રાખવું પડે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચાકુના વેચાણમાં પહેલાની સરખામણીમાં ઘટાડો થયો છે.

ગડકરીની જાહેરાત : આ તારીખથી રસ્તા પર નહીં જોવા મળે 15 વર્ષ જૂના 9 લાખ સરકારી વાહનો

0

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદ્યોગ સંસ્થા FICCI દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં જાહેરાત કરી

કેન્દ્ર-રાજ્ય સરકારો, પરિવહન નિગમો, જાહેર ક્ષેત્ર માટે ઉપયોગમાં લેવાતા 9 લાખ વાહનો સ્ક્રેપ કરાશે

Updated: Jan 30th, 2023

 Image – wikipedia

નવી દિલ્હી, તા.30 જાન્યુઆરી-2023, સોમવાર

પહેલી એપ્રિલ-2023થી 15 વર્ષ જૂના 9 લાખ વાહનોને ભંગાર કરી દેવામાં આવશે એક ઈવેન્ટ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી કે, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો, પરિવહન નિગમો અને જાહેર ક્ષેત્ર માટે ઉપયોગમાં લેવાતા 9 લાખ વાહનોને સ્ક્રેપ કરી દેવામાં આવશે.

સરકારી વાહનોને સ્ક્રેપ કરવા મળી મંજૂરી

ઉદ્યોગ સંસ્થા FICCI દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરતા નીતિન ગડકરીએ કહ્યું કે, સરકાર ઈથેનોલ, મેથનોલ, બાયો-સીએનજી, બાયો-એલએનજી અને ઈલેક્ટ્રીક વાહનોના ઉપયોગને સુવિધાજનક બનાવવા માટે ઘણા પગલાઓ ઉઠાવી રહી છે. ઉપરાંત નીતિન ગડકરીએ હવે 15 વર્ષ જુના 9 લાખથી વધુ સરકારી વાહનોને સ્ક્રેપ કરવાની મંજૂરી આપી દીધી છે. બીજી તરફ પ્રદૂષણ ફેલાવતી બસો અને કારો રસ્તા પરથી હટી જશે અને વૈકલ્પિક ઈંધણવાળા વાહનો આ સ્ક્રેપ વાહનોની જગ્યા લેવા તૈયાર છે.

ગડકરીની તમામ શહેરોમાં ઓટોમોબાઈલ સ્ક્રેપિંગ સુવિધા વિકસાવવાની ઈચ્છા

ગત વર્ષે ગડકરીએ કહ્યું હતું કે, તેઓ તમામ શહેરના કેન્દ્રથી 150 કિલોમીટરની અંદર ઓછામાં ઓછું એક ઓટોમોબાઈલ સ્ક્રેપિંગ સુવિધા વિકસાવવા ઈચ્છે છે. તેમણે દાવો કર્યો હતો કે, દેશમાં સમગ્ર દક્ષિણ એશિયાઈ ક્ષેત્રનું વાહન સ્ક્રેપિંગ હબ બનવાની ક્ષમતા છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની હાલની સૂચના મુજબ પહેલી એપ્રિલથી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પરિવહન નિગમો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોની માલીકીની બસો સહિત 15 વર્ષ જૂના તમામ વાહનોની નોંધણી રદ કરાશે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ

0

ટેક્નિકલ ખામીના કારણે એરક્રાફ્ટને ગન્નાવરમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું

Updated: Jan 30th, 2023

Image: envato

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને લઈ મોટા સમાચાર આવી રહ્યા છે. આજ રોજ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ટેક-ઓફના થોડા સમય બાદ, ટેક્નિકલ ખામીના કારણે એરક્રાફ્ટને ગન્નાવરમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પ્લેન હાલ સુરક્ષિત રીતે ઉતારી દેવામાં આવ્યું છે અને કોઈ દુર્ઘટના ખબર સામે આવી નથી. મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી વિમાને આજે દિલ્હી જવા માટે ઉડાન ભરી હતી.

મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી અને તેમની સાથે અધિકારીઓની ટીમ આજે સાંજે 5:00 કલાકે દિલ્હી તરફ રવાના થઈ હતી. થોડા સમય બાદ પાયલોટને એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી. આ કારણે ફલાઈટ 5:30 કલાકે વિજયવાડા એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. આ પછી સીએમ જગન મોહન રેડ્ડી તેમના તાડેપલ્લી સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા.